પ્રાથમિકમાં ૨૨,૭૨૧ અને માધ્યમિક-ઉચ્ચ માધ્યમિકમાં ૧,૦૨૭ શિક્ષકોની ઘટ
દેશના મોટા રાજ્યો કરતાં ગુજરાતમાં ધો. ૧થી ૧૨માં શિક્ષકોનું મહેકમ ઘણું ઓછું
વિકસિત ગણાવાતા ગુજરાતમાં શિક્ષકોની ઘટના લેટેસ્ટ આંકડા લોકસભામાં જાહેર
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા રાજ્યવાર પ્રાથમિક શિક્ષણમાં યાને ધોરણ ૧થી ૮માં અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક સ્તરે ધોરણ ૯થી ૧૨માં શિક્ષકોની ઘટ અંગે સોમવારે લોકસભામાં લેટેસ્ટ આંકડા જાહેર થયા છે અને એ મુજબ ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં મંજૂર મહેકમ સામે ૨૨,૭૨૧ શિક્ષકોની તથા ધોરણ ૯થી ૧૨માં ૧,૦૨૭ શિક્ષકોની ઘટની વિગતો બહાર આવી છે. શિક્ષકોની ઘટની બાબતમાં ગુજરાત દેશમાં પ્રાથમિક શિક્ષણ સ્તરે ૧૦મા ક્રમે અને
માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્તરે ૧૫મા ક્રમે છે.
ગુજરાત માટે શરમજનક એ છે કે પ્રાથમિક સ્તરે શિક્ષકોની મહારાષ્ટ્ર, ગોવા તથા કેરળમાં શૂન્ય ઘટ છે, જ્યારે તામિલનાડુમાં ૧,૭૫૩, તેલંગણામાં ૧૧,૬૩૭ની કમી છે. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં ૨,૦૪,૨૪૫ મંજૂર મહેકમ સામે ૧,૮૧,૫૨૪ શિક્ષકો છે અને ૨૨,૭૨૧ શિક્ષકોની જગ્યા ખાલી છે. બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક શિક્ષકોની ઘટ ગુજરાત કરતાં વધુ છે, પણ ત્યાં શિક્ષકોનું મહેકમ
રાજ્ય કરતાં ઘણું વધારે છે.
રાજ્યમાં ધોરણ ૯થી ૧૨માં ૪,૮૯૨ શિક્ષકોની મંજૂર જગ્યાઓ સામે ૩,૮૬૫ શિક્ષકો છે અને ૧,૦૨૭ જગ્યાઓ ખાલી છે. પ્રાથમિક શિક્ષણની માફક જ આ સ્તરેય બીજા મોટા રાજ્યોની તુલનામાં ગુજરાતનું ચિત્ર શરમ ઉપજાવે તેવું છે. આ સ્તરેય બિહાર, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં ગુજરાત કરતાં શિક્ષકોની ઘટ વધારે છે, પણ સામે શિક્ષકોની કુલ સ્ટ્રેન્થ રાજય કરતાં ઘણી વધારે છે.
No comments:
Post a Comment